Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightઆઈપીઓ દ્વારા કંપનીઓ ૧.૬ લાખ કરોડથી વધુની મૂડી એકત્ર કરવાની તૈયારીમાં...!!

આઈપીઓ દ્વારા કંપનીઓ ૧.૬ લાખ કરોડથી વધુની મૂડી એકત્ર કરવાની તૈયારીમાં…!!

ભારતમાં પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) બજાર ૨૦૨૫માં એક નવા ઐતિહાસિક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે આઈપીઓ મારફતે કંપનીઓ રૂ.૧.૬ લાખ કરોડથી વધુ મૂડી એકત્ર કરવાની સંભાવના છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક બનશે. વર્ષ ૨૦૨૪માં કુલ ૯૪ આઈપીઓ દ્વારા રૂ.૧.૫૯ લાખ કરોડ એકત્ર થયા હતા, જ્યારે ૨૦૨૫માં અત્યાર સુધી ૯૩ કંપનીઓ બજારમાં આવી ચૂકી છે અને આ આંક ૨૦૦૭ પછીનો સૌથી વધુ છે.

વર્ષની શરૂઆતમાં સેકન્ડરી માર્કેટમાં નોંધાયેલી તીવ્ર અસ્થિરતાનો પ્રભાવ પ્રાયમરી બજાર પર પણ પડ્યો હતો, જેના કારણે માર્ચ મહિનામાં એક પણ આઈપીઓ લોન્ચ ન થયો. એપ્રિલમાં માત્ર એક ઈશ્યૂ આવ્યો, પરંતુ મે પછીથી પરિસ્થિતિમાં સુધારો થતાં જુલાઈથી દર મહિને ૧૦થી વધુ આઈપીઓ લિસ્ટ થયા. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો આઈપીઓ માટે ઐતિહાસિક રહ્યો હતો, જેમાં બે ડઝનથી વધુ કંપનીઓ બજારમાં આવી, જે જાન્યુઆરી ૧૯૯૭ પછી એક મહિનામાં સૌથી વધુ લિસ્ટિંગ હતા.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો માને છે કે આઈપીઓ બજારમાં તેજીનું મુખ્ય કારણ વિવિધ સેક્ટરોની મજબૂત કંપનીઓના પ્રવેશ અને આકર્ષક ઇશ્યૂ પ્રાઈસિંગ છે. ડિસેમ્બર ફરી આઈપીઓ માટે વ્યસ્ત મહિનો રહેશે તેવી ધારણા છે અને ૨૦૨૬માં આઈપીઓ મારફતે લગભગ ૨૦ બિલિયન ડોલર સુધી મૂડી એકત્ર થઈ શકે છે. ૨૦૨૫માં લિસ્ટ થયેલ ૯૩ આઈપીઓમાંથી લગભગ ૬૦ હાલમાં તેમના ઇશ્યૂ પ્રાઈસ કરતાં ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, જે રોકાણકારોની તેજી દર્શાવે છે.

Spread the love

Most Popular