રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓએ ક્રૂડ ઓઇલની આયાતમાં ભારે ઘટાડો કર્યા પછી ડિસેમ્બર ૨૦૨૫માં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં ભારત ત્રીજા સ્થાને સરકી ગયું છે. યુરોપિયન સંશોધન સંસ્થા, સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરએ આ માહિતી જાહેર કરી હતી. ડિસેમ્બરમાં રશિયા પાસેથી ભારતની કુલ હાઇડ્રોકાર્બન આયાત ૨.૩ અબજ યુરો રહી, જે પાછલા મહિનાના ૩.૩ અબજ યુરોથી ઓછી છે.
ડિસેમ્બરમાં રશિયા પાસેથી ૨.૬ અબજ યુરોના હાઇડ્રોકાર્બન ખરીદીને તુર્કી ભારતને પાછળ છોડીને બીજા ક્રમે આવ્યું છે. ટોચના પાંચ આયાતકારોમાંથી રશિયાની નિકાસ કમાણીના ૪૮% (૬ અબજ યુરો) હિસ્સો ધરાવતો ચીન પ્રથમ ખરીદનાર રહ્યો હતો.રિપોર્ટ મુજબ ભારત રશિયન અશ્મિભૂત ઇંધણનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર હતો, જેણે ડિસેમ્બરમાં કુલ ૨.૩ અબજ યુરો રશિયન હાઇડ્રોકાર્બન આયાત કર્યા હતા. ભારતની કુલ ખરીદીમાં ક્રૂડ ઓઇલનો હિસ્સો ૭૮% હતો, જે કુલ ૧.૮ અબજ યુરો હતો. વધુમાં, કોલસો (૪૨૪ મિલિયન યુરો) અને તેલ ઉત્પાદનો (૮૨ મિલિયન યુરો) આયાત કરવામાં આવ્યા હતા.ભારતે નવેમ્બરમાં રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી પર ૨.૬ અબજ યુરો ખર્ચ્યા હતા. ભારતની રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં માસિક ધોરણે ૨૯%નો તીવ્ર ઘટાડો થયો હતો. અહેવાલ મુજબ, આ ઘટાડાનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી હતી, જેણે ડિસેમ્બરમાં રશિયાથી તેની આયાત અડધી કરી દીધી હતી. જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓએ પણ ડિસેમ્બરમાં રશિયન આયાતમાં ૧૫% ઘટાડો કર્યો હતો.





