Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Right૨૦૨૫ માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા ૪.૯૦ ટ્રિલિયન ઠાલવ્યા…!!!

૨૦૨૫ માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા ૪.૯૦ ટ્રિલિયન ઠાલવ્યા…!!!

સમાપ્ત થયેલા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં દેશની ઈક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફન્ડોની રૂપિયા ૪.૯૦ ટ્રિલિયનની નેટ ખરીદી રહી છે. ૨૦૨૪ના વર્ષમાં રૂપિયા ૪.૩૦ ટ્રિલિયનની ખરીદીની સરખામણીએ ગત વર્ષની ખરીદીનો આંક ૧૩ ટકા વધુ છે એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે. ૨૦૨૫માં ફન્ડ હાઉસો સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની  ઈક્વિટી કેશમાં એ કંદર નેટ ખરીદી રૂપિયા ૭,૮૮,૧૮૪.૩૮ કરોડ રહી છે. 

છેલ્લા કેટલાક વર્ષથી મ્યુચ્યુઅલ ફન્ડો ભારતીય ઈક્વિટીસમાં સક્રિય રહ્યા છે. ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના સતત ઈન્ફલોસને પરિણામે ફન્ડ હાઉસોની ઈક્વિટી ખરીદીમાં આક્રમકતા જોવા મળે છે. બજારમાં ભારે વોલેટિલિટી છતાં રિટેલ રોકાણકારોએ ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સ મારફત રોકાણ કરવાનું ચાલુ રાખ્યુ છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારો ગયા વર્ષ સતત પાંચમી વખત ભારતીય ઈક્વિટીસ કેશમાં વેચાણકાર રહ્યા છે ત્યારે ડીઆઈઆઈના ટેકા સાથે શેરબજારને ટેકો મળી રહ્યો છે.સતત ખરીદીને પગલે ફન્ડ હાઉસો પાસે ઈક્વિટી હોલ્ડિંગનો આંક  ગયા વર્ષે પ્રથમ જ વખત રૂપિયા ૫૦ ટ્રિલિયનને પાર કરી ગયો હતો. છેલ્લા બે વર્ષમાં જ ઈક્વિટી હોલ્ડિંગ બમણુ થઈ જવા પામ્યું છે.

ડીઆઈઆઈની  ૨૦૨૫ના વર્ષમાં ૨૦૦૮ પછીના અત્યાર સુધીની કોઈ એક વર્ષની વિક્રમી ખરીદી હોવાનું માનવામાં આવે છે.રોકાણકારોના સતત ઈન્ફલોસ ખાસ કરીને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત રોકાણકારોના ઈન્ફલોસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડોની એકંદર એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) વર્તમાન વર્ષના નવેમ્બરના અંત સુધીમાં રૂપિયા ૮૦.૮૦ ટ્રિલિયન પહોંચી ગઈ હતી. જે વર્ષના પ્રારંભમાં રૂપિયા ૬૬.૯૦ ટ્રિલિયન રહી હતી. એયુએમમાં એક જ વર્ષમાં ૨૧ ટકા વધારો જોવા મળ્યો છે. 

છેલ્લા ત્રણ વર્ષથી ફન્ડ હાઉસોની એયુએમમાં વાર્ષિક વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે ભારતીય શેરબજારમાં કરેકશન ઉપરાંત ભારે વોલેટિલિટીને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત શેરબજારમાં રોકાણ કરવા આવતા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો મંદ પડી રહ્યો હોવાનું પણ જોવા મળે છે. ગત  વર્ષના નવેમ્બર સુધીમાં મ્યુચ્યુઅલ ફન્ડોએ એકંદર ૫૮ લાખ નવા રોકાણકારોનો ઉમેરો કર્યો હતો જે ૨૦૨૪માં કરાયેલા ૧.૦૬ કરોડની સરખામણીએ નોંધપાત્ર નીચો રહ્યો હતો. 

Spread the love

Most Popular