Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightવીમા ઉદ્યોગમાં રેકોર્ડ વૃદ્ધિ : જીએસટી ઘટાડા બાદ બિઝનેસ પ્રીમિયમમાં વૃદ્ધિ...!!

વીમા ઉદ્યોગમાં રેકોર્ડ વૃદ્ધિ : જીએસટી ઘટાડા બાદ બિઝનેસ પ્રીમિયમમાં વૃદ્ધિ…!!

નવેમ્બર મહિનામાં દેશમાં વીમા ઉદ્યોગ માટે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. પહેલી જ વાર નવા બિઝનેસ પ્રીમિયમમાંથી મળેલી આવક ૨૦% થી વધુ વધી છે. આ તેજીમાં સૌથી મોટો ફાળો Goods & Services Tax (GST)માં કરાયેલા ઘટાડાનો છે, વીમા પ્રીમિયમ પરનો GST દર ૧૮% થી ઘટાડીને સીધો ૦% કરવામાં આવ્યા પછી પોલિસી ખરીદી વધુ સસ્તી બની છે, જેના કારણે માંગ જોરદાર રીતે વધી છે. પોલિસી વેચાણની સંખ્યા પણગયા વર્ષની સરખામણીમાં ૪૮% થી વધુ વધી છે.

લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના આંકડા મુજબ નવેમ્બર મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૨૩% વૃદ્ધિ થઈ છે અને તે રૂ.૩૧,૧૧૯.૬૦ કરોડ સુધી પહોંચી ગયું છે. નોન-લાઈફ ઈન્સ્યૂરન્સ સેક્ટર પણ પાછળ રહ્યું નથી, તેમની નવા બિઝનેસ પ્રીમિયમ આવક ૨૪.૧૭% વધીને રૂ.૨૬,૮૯૭.૪૦ કરોડ નોંધાઈ છે.

સરકારી કંપની LICના નવા બિઝનેસ પ્રીમિયમમાં મજબૂત ૩૫% નો વધારો થઇ રૂ.૧૫,૮૬૯.૭૧ કરોડ થયો છે, જ્યારે ખાનગી જીવન વીમા કંપનીઓએ ૧૨.૫૦% વૃદ્ધિ સાથે રૂ.૧૫,૨૪૯.૯૩ કરોડની આવક નોંધાવી છે. વ્યક્તિગત પોલિસી સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી – આવક ૨૬.૪૦% વધીને રૂ.૧૪,૯૩૯ કરોડ થઈ છે. ગ્રુપ વીમા પ્રીમિયમમાં તો વધુ જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ છે – આંક ૪૯% વધી રૂ.૧૬,૧૮૦.૨૫ કરોડ સુધી પહોંચ્યો છે. પોલિસી વેચાણની સંખ્યા નવેમ્બરમાં ૪૮.૪૪% વધી ૨૨ લાખ સુધી પહોંચી ગઈ છે.

નવેમ્બરના મજબૂત પ્રદર્શનને કારણે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન પોલિસી વેચાણમાં જોવા મળેલો ૭.૯૦% ઘટાડો હવે એપ્રિલ-નવેમ્બર દરમિયાન માત્ર ૨.૭૦% સુધી સીમિત રહ્યો છે. જીએસટીમાં ઘટાડો ખાસ કરીને આરોગ્ય વીમા માર્કેટ માટે ગેમ-ચેન્જર સાબિત થયો છે. GST શૂન્ય થવાથી હેલ્થ ઇન્શ્યોરન્સ વધુ સસ્તું બન્યું છે, જેના પગલે કુલ માંગમાં સારું ઉછાળો જોવા મળ્યો છે. વીમા કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું કે GST ઘટાડા બાદ હેલ્થ તથા લાઈફ બંને પ્રકારની પોલિસીઓ માટે ગ્રાહકોની રસદારી વધી છે.

Spread the love

Most Popular