દેશમાં અત્યાર સુધીમાં ૬૦૦૦થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ બંધ થઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા સરકારના આંકડા મુજબ માત્ર મહારાષ્ટ્રમાં જ ૧૨૦૦ સ્ટાર્ટઅપ્સ બંધ થયા છે. કર્ણાટકમાં ૮૪૫, દિલ્હીમાં ૭૩૭, ઉત્તર પ્રદેશમાં ૫૯૮, તેલંગાણામાં ૩૬૮ અને ગુજરાતમાં ૩૪૮ સ્ટાર્ટઅપ્સ બંધ થવાની નોંધાઈ છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં એકંદરે વધુ બંધ થવાના કેસ સામે આવેલા છે. નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સંખ્યા ઘણી ઓછી છે.
મિઝોરમ અને આંદામાન-નિકોબારમાં માત્ર ત્રણ-ત્રણ સ્ટાર્ટઅપ્સ બંધ થયા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્ટાર્ટઅપ બંધ થવાનું સીધું કારણ કોઈ એક પરિબળ નથી, પરંતુ બિઝનેસ મોડેલની કાર્યક્ષમતા,, બજારની ડિમાન્ડ, સ્થાનિક-વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ઉત્પાદન/સેવાની વિશિષ્ટતાઓ અને ફંડિંગ મેળવવાની ક્ષમતા જેવા ઘણા પરિબળો મળીને અસર કરે છે. સરકારે એ પણ જણાવ્યું કે બંધ થવામાં કોઈ “સિસ્ટેમેટિક સ્પાઈક” જોવા મળ્યો નથી અને વર્ષ મુજબના ડેટા ઉપલબ્ધ ન કરાતા ૨૦૨૪ની તુલનામાં ૨૦૨૫માં ૩૦%વધારો થયો છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાય તેવી કોઈ સ્થિતિ નથી.
સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા સરકારની ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ ૨૦૨૩માં રૂ.૨૨૦.૭૮ કરોડની ગેરંટી લોન મંજૂર કરવામાં આવી હતી, જે ૨૦૨૪માં વધીને રૂ.૩૮૧.૦૮ કરોડ થઈ છે. વર્ષ ૨૦૨૫માં ૩૧ ઑક્ટોબર સુધી આ આંકડો રૂ.૧૫૩.૪ કરોડનો રહ્યો છે. ગેરંટી આધારિત ધિરાણમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ અગ્રેસર રહ્યા. સ્ટાર્ટઅપ બંધ થવાના વધતા આંકડા વચ્ચે એક સકારાત્મક દિશા પણ જોવા મળી છે. ૧ ડિસેમ્બરથી ૬ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન વિવિધ સેક્ટરના લગભગ ૨૦ ભારતીય સ્ટાર્ટઅપ્સે રોકાણકારોથી કુલ ૩૪૫ મિલિયન ડોલરથી વધુનું ભંડોળ ઉઠાવ્યું છે.
કપડાં, પ્રોપટેક, ફાઇનાન્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, ડીપટેક, હેલ્થકેર, સ્પોર્ટ્સટેક, એઆઈ, એડટેક, વેલ્થટેક અને ફિનટેક જેવા અનેક ક્ષેત્રોમાં રોકાણકારોની રસનિષ્ઠા જોવા મળી રહી છે. અગાઉના અઠવાડિયે પણ ભારતીય સ્ટાર્ટઅપ્સે ૨૯૬ મિલિયન ડોલરથી વધુનું મૂડીભંડોળ મેળવ્યું હતું. સરકારે ફરી દોહરાવ્યું કે ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત અને માળખાકીય રીતે સ્થિર છે, કારણ કે તેને વેન્ચર કેપિટલ, સીડ ફંડિંગ અને ક્રેડિટ સપોર્ટનું મજબૂત સંયોજન મળી રહ્યું છે.






