Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightમાંગ નબળી પડતા દેશમાં સંયુક્ત આર્થિક પ્રવૃત્તિ ધીમી...!!

માંગ નબળી પડતા દેશમાં સંયુક્ત આર્થિક પ્રવૃત્તિ ધીમી…!!

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓમાં મંદીનો સ્પષ્ટ અહેસાસ જોવા મળ્યો છે. નબળી માંગ અને કામના ઓછા ભારણને કારણે નવી ભરતીની ગતિ પણ ધીમી પડી છે. પ્રાથમિક અંદાજોના આધારે નવેમ્બરમાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રની સંયુક્ત ગતિવિધી ઓકટોબરની સરખામણીએ થોડું નરમ પડી છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓકટોબરના ૬૦.૪૦ થી ઘટીને નવેમ્બરમાં ૫૯.૯૦ પર પહોંચ્યો છે, જે છેલ્લા છ મહિનામાં સૌથી નીચી સપાટી છે. પીએમઆઈ ૫૦થી ઉપર રહેતો હોય ત્યારે તે વિસ્તરણ દર્શાવે છે, છતાં નવેમ્બરમાં વૃદ્ધિનો જોર ઓકટોબર કરતાં નબળો રહ્યો છે.

ફેક્ટરી ઉત્પાદનમાં વૃદ્ધિ મે પછી નીચી સપાટીએ પહોંચી છે, કારણ કે ઘણા ઉત્પાદકોને નવા ઓર્ડરો મળવાની ગતિ ધીમી પડી હતી. બીજી તરફ સેવા ક્ષેત્રમાં ઓકટોબરની સરખામણીએ વધુ તેજી નોંધાઈ છે. સર્વે મુજબ પીએમઆઈ થોડો નબળો પડ્યો હોવા છતાં કુલ કામકાજની સ્થિતિ મજબૂત રહી છે. નવા નિકાસ ઓર્ડરો ઓકટોબર જેટલાં જ રહ્યા છે, પરંતુ જીએસટી સંબંધી અગાઉના ઓર્ડરોમાં થયેલો વધારો હવે ધીમો પડ્યો છે. ખર્ચના દબાણમાં રાહત મળતાં માલસામાન અને સેવાની કિંમતોમાં થોડો ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઓકટોબરના ૫૯.૨૦ થી ઘટીને ૫૭.૪૦ રહ્યો છે, જ્યારે સેવા ક્ષેત્રમાં માંગમાં સુધારો જોવા મળ્યો છે.

દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નવા ઓર્ડરો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે પ્રવૃત્તિઓ પર અસર થઈ છે. રોજગાર વૃદ્ધિ યથાવત રહી છે, પરંતુ ૧૮ મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. નબળી માંગ અને કામના ઓછા ભારણને કારણે ભરતીની ગતિ મંદ પડી છે. આ બધાછતાં, સ્પર્ધાત્મક ભાવ નીતિ, માર્કેટિંગની પહેલ અને ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને કારણે ખાનગી ક્ષેત્રની કંપનીઓ આગામી એક વર્ષમાં ઉત્પાદનમાં વૃદ્ધિની ધારણા રાખે છે. તેમ છતાં વેપાર વિશ્વાસ ૨૦૨૨ના મધ્ય બાદ પ્રથમ વખત નવેમ્બરમાં સૌથી નીચા સ્તરે નોંધાયો છે.

Spread the love

Most Popular