Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightઓક્ટોબર માસમાં ડીમેટ ખાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો...!!

ઓક્ટોબર માસમાં ડીમેટ ખાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો…!!

દેશમાં ઈક્વિટી માર્કેટમાં જાહેર ભરણાંની વધતી ગતિવિધિ અને સેકન્ડરી માર્કેટમાં જોવા મળેલી તેજી બાદ રોકાણકારોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું સીધું પ્રતિબિંબ ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં દેખાઈ રહ્યું છે. ઓક્ટોબર ૨૦૨૫માં કુલ ૩૦ લાખથી વધુ નવા ડીમેટ ખાતા ખોલાયા હોવાની માહિતી તાજેતરના આંકડાઓમાં સામે આવી છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં આ બીજો એવો મહિનો છે, જેમાં ડીમેટ ખાતાઓની સંખ્યામાં ૩૦ લાખથી વધુનો વધારો નોંધાયો છે. ઓક્ટોબરના અંતે ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા ૨૧ કરોડ પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલાની સરખામણીએ ૧૭.૪% વધારે છે. અમેરિકા અને ભારત વચ્ચે શક્ય ટ્રેડ ડીલ અને ટેરિફ ઘટાડાના અનુમાનને કારણે ઓક્ટોબરમાં સેકન્ડરી માર્કેટમાં ફરી તેજી જોવા મળી હતી. તે જ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ૪ ટકા કરતાં વધુનો ઉછાળો નોંધાયો હતો.

આ તેજી અને પ્રાથમિક બજારમાં મળતા સારાં વળતર પ્રત્યેની અપેક્ષાએ રિટેલ રોકાણકારોને નવા ભરણાં અને ડીમેટ ખાતાઓ તરફ આકર્ષ્યા છે. વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં કુલ ૨.૧૮ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા છે, જે ૨૦૨૪ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના ૩.૬૧ કરોડ ખાતાઓની સરખામણીએ લગભગ ૪૦% ઓછા છે. વર્ષના આરંભમાં મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં થયેલા મોટા સુધારાઓને કારણે રોકાણકારોનો ઉત્સાહ ઘટ્યો હતો, પરંતુ ઓક્ટોબર મહિનાના આંકડાઓ સૂચવે છે કે હવે ફરીથી રોકાણકારોની વળતર અપેક્ષા વધવા લાગી છે.

સપ્ટેમ્બરમાં ૨૪.૬ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા, જે મે પછીનો સૌથી નીચો આંક હતો. ઓગસ્ટમાં ૨૪.૯ લાખ અને જુલાઈમાં ૨૯.૮ લાખ ખાતાઓ ખોલાયા હતા. આથી વર્ષના પ્રથમ નવ મહિનામાં સરેરાશ માસિક ૨૪.૨ લાખ નવા ખાતાઓ ઉમેરાયા છે, જ્યારે ગયા વર્ષે આ સરેરાશ ૪૦ લાખ હતી. જાહેર ભરણાંની આગામી લહેરને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોનું માનવું છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે રોકાણકારો ફરીથી પ્રાથમિક બજારમાં સક્રિય બની રહ્યા છે.

Spread the love

Most Popular